ઈન્ડિગોના સહ-સ્થાપક રાકેશ ગંગવાલ સાઉથવેસ્ટ એરલાઈન્સના ચેરમેન બન્યાં
ઈન્ડિગોના સહ-સ્થાપક રાકેશ ગંગવાલ સાઉથવેસ્ટ એરલાઈન્સના ચેરમેન બન્યાં
Blog Article
ભારતીય અબજોપતિ અને ઈન્ડિગોના સહ-સ્થાપક રાકેશ ગંગવાલની અમેરિકાની સાઉથવેસ્ટ એરલાઈન્સના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. સોમવારે સાઉથવેસ્ટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે ગંગવાલની નિમણૂકની જાહેરાત કરી હતી.
આ વર્ષે જુલાઈમાં સાઉથવેસ્ટના બોર્ડમાં જોડાનાર ગંગવાલે તાજેતરમાં એરલાઇનના 108 મિલિયન ડોલરના શેર પણ હસ્તગત કર્યા હતાં.
સાઉથવેસ્ટે એરલાઇન તેના સૌથી મોટા શેરધારકોમાંના એક ઇલિયટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ સાથેના મુદ્દાઓનું સમાધાન કર્યાના એક અઠવાડિયા પછી આ નિયુક્તિ કરાઈ છે. ઇલિયટે સાઉથવેસ્ટના ટોપ મેનેજમેન્ટમાં ધરખમ ફેરફારની માગણી કરી હતી.
ગંગવાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે સાઉથવેસ્ટમાં પરિવર્તનના નવા યુગની શરૂઆત કરી રહ્યા છીએ. નવા રચાયેલા બોર્ડ તરીકે અમારી નિર્ણાયક પ્રાથમિકતા બોબ જોર્ડન અને બાકીની મેનેજમેન્ટ ટીમ સાથે મળીને કામ કરવા માટેની છે, જેથી કંપની શ્રેષ્ઠ નાણાકીય કામગીરી કરી શકે છે. જોર્ડન બોર્ડના પ્રમુખ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને વાઇસ પ્રેસિડન્ટ છે.
ઉડ્ડયન ઉદ્યોગના અનુભવી, ગંગવાલે 1984માં યુનાઈટેડ એરલાઈન્સ સાથે તેમની એરલાઈન કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે યુએસ એરવેઝ ગ્રુપના પ્રેસિડન્ટ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે પણ સેવા આપી હતી. તેઓ વર્લ્ડસ્પાન ટેક્નોલોજીસના અધ્યક્ષ, પ્રમુખ અને મુખ્ય કાર્યકારી અધિકારી પણ હતા.
1975માં IIT કાનપુરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં BTech પૂર્ણ કર્યા પછી, ગંગવાલે યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયાની વૉર્ટન સ્કૂલમાંથી MBAની ડિગ્રી પણ મેળવી હતી.
તેઓ ભારતની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોના સહ-સ્થાપક છે, પરંતુ સહ-સ્થાપક રાહુલ ભાટિયા સાથે 2019માં મતભેદો બહાર આવ્યા હતા. ગંગવાલે ફેબ્રુઆરી 2022માં ઈન્ટરગ્લોબ એવિએશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપ્યું હતું. તે સમયે તેમણે જણાવ્યું હતું કે તેઓ ઇન્ડિગોમાં આગામી પાંચ વર્ષમાં તેમના ઇક્વિટી હિસ્સામાં તબક્કાવાર ધોરણે ઘટાડો કરશે.